સાપુતારામાં સર્પગંગા તળાવના કિનારે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. મહાદેવના મંદિરમાં શિવલિંગ જનોઈધારી છે અને નાગદેવતા પણ શિવલિંગ સાથે જોડાયેલા છે. ભગવાન શ્રી રામે અહિં મહાદેવજીની પૂજા કરી હતી. કાળક્રમે શિવલિંગ તળાવમાં દટાઈ ગયુ હતુ. અને વર્ષો બાદ ભોળેનાથના સંકેતથી શિવલિંગ ફરી સ્થાપિત કરવામાં આવ્યુ હુતું. જ્યાં કુદરતે મન ખોલીને સૌંદર્ય વેર્યુ છે, સુર્યોદય થાય ત્યારે સાપુતારાના સર્પગંગા તળાવમાં જાણે સોનુ ભળ્યુ હોય તેવું દ્રશ્ય સર્જાય છે. એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા આદિવાસી સમાજના લોકો પોતાની ગાયો ચરાવવા આ સ્થળ પર આવતા હતા અને પછી અહિં જ વસ્યા હતા. આદિવાસીઓ સાપની પૂજા કરતા હતા. જ્યારે કોઈપણ વ્યક્તિને સર્પ દંશ મારતો ત્યારે તેને તળાવ કિનારે લાવતા અને જડીબુટ્ટીઓથી સર્પદંશ ઉતારવામાં આવતો હતો. સાપના દંશના ઉતારા એટલે સાપ.. ઉતારા અને પછી થયુ સાપુતારા. આમ સાપ ઉતારા પરથી આ સ્થળનું નામ થયુ સાપુતારા. કહેવાય છે કે સાપુતારાના સર્પગંગા તળાવના તળીયે સાપની ખૂબ જ મોટી પ્રતિમા છે અને એટલે જ તળાવ સર્પગંગા નામથી ઓળખાય છે.
સાપુતારામાં નાગેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર
સાપુતારાના કુદરતી રમણીય વાતાવરણમાં ઉભા રહીએ ત્યારે ઈશ્વરની સુંદર રચનાનો અલૌકિક અહેસાસ થાય છે. તો જો ભગવાન પોતે જ ત્યાં બિરાજમાન હોય તો. સાપુતારાના સર્પગંગા તળાવ કિનારે નાગેશ્વર મહાદેવ બિરાજમાન છે. મહાદેવજીના શિવલિંગનો ઈતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે. પુર્વાભિમુખ નાગેશ્વર મહાદેવના મંદિર પર પડતા સવારના સુર્ય કિરણોથી મંદિર તેજોમય દ્રશ્યમાન થાય છે. જ્યારે સુર્ય મકર રાશીમાંથી ઉત્તર તરફ આયણ કરે છે ત્યારે તેના કિરણો સીધા જ શિવલિંગ પર પડે છે અને ત્યારના દર્શન ખૂબ જ અલૌકિક અહેસાસ કરાવનારા હોય છે. કુદરતી સુંદર પ્રકૃતિને માણવા સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓ પણ પહેલા તેની રચના કરનારના ખોળે આવી દર્શન કરી ધન્ય થાય છે. ભગવાન રામ પોતાના વનવાસકાળ સમયે હાલ ડાંગ છે ત્યાં આવ્યા હતા. તે સમયે ડાંગ દંડકારણ્ય કહેવાતુ હતુ. ભગવાન રામ શબરીના ઘરે ગયા તે પહેલા આ સ્થળ પર આવ્યા હતા અને શિવલિંગની પૂજા કરી હતી. કાળક્રમે વરસાદ થતાં શિવલિંગ ધીરે ધીરે તળાવમાં દટાતુ ગયુ હતુ. અને વર્ષો બાદ એવાજી બાબા નામના ઋષિના સ્વપ્નમાં શિવજીએ આવીને કહ્યુ કે આ તળાવમાં શિવલિંગ છે. અને તળાવમાં ખોદકામ કરતા શિવલિંગ નીક્ળ્યુ હતુ.
મહાદેવજીનું શિવલિંગ જનોઈધારી
શિવલિંગને ઉમરાના ઝાડ નીચે મુકી પૂજન અર્ચન ચાલુ કરવામાં આવ્યા હતા. શિવલિંગ ખુલ્લામાં રહેતુ હતુ, એટલે સ્થાનિક લોકોએ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને ફક્ત પથ્થરોનો ઉપયોગ કરી નાગેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કર્યુ હતુ. જે ઉમરાના ઝાડ નીચે પહેલા શિવલિંગ રાખવામાં આવ્યુ હતુ. તે ઉમરાનું ઝાડ હાલ મંદિર પરિસરને જાણે પોતાની ઘનઘોર ઘટામાં સમાવીને ઉભુ છે. સુંદર ઘટા ધરાવતુ ઉમરાનું ઝાડ જેટલુ જૂનું છે તેટલુ જ નાગેશ્વર મહાદેવનું શિવલિંગ જૂનુ હોવાની લોકવાયકા છે. લીલીછમ હરિયાળી વચ્ચે આવેલા મહાદેવજીના મંદિર પરિસરનું વાતાવરણ નીરવ શાંત છે. મહાદેવજીના દર્શન બાદ ભાવિકો કુદરતી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. નિયમિત મહાદેવજીના દર્શને આવતા ભાવિક ભક્તો ગર્ભગૃહમાં શિવજીની આરાધના કરતા હોય છે ત્યારે શિવ અને જીવ એકાકાર થયાનું દ્રશ્ય સર્જાય છે. મંદિરના ઘુમ્મટ પરથી લહેરાતી ભોળેબાબાની ધજાને સ્પર્શ કરતી હવા જાણે દૂરદૂર સુધી ધર્મનો સંદેશ ફેલાવે છે. મંદિરમાં સ્થાપિત મહાદેવજીનું શિવલિંગ સામાન્ય નથી. શિવલિંગ સાથે નાગદેવતા પણ જોડાયેલા છે. અને એટલે જ મંદિરનું નામ નાગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યુ છે. ભગવાન શિવ, પુરષોત્તમ અવતારમાં જનોઈ પહેરતા તેવી જ જનોઈ શિવલિંગ પર સાફ દ્રશ્યમાન થાય છે. શિવલિંગની બરાબર પાછળ માતા પાર્વતીજી બિરાજમાન છે ચુંદડી, ગળામાં મોતી જડીત હાર, હાથોમાં મોતી જડીત બંગડીઓ, માથે મુગટ અને તાજા ચડાવેલા ફુલોના સુંદર શણગારથી સજ્જ માતા પાર્વતીજીની મુર્તિ તેજોમય દર્શનીય થાય છે.
સકારાત્મક ઉર્જાના સંચાર
મંદિરમાં પ્રવેશતા જ નંદીની આગળ સુંદર વસ્ત્રોથી શણગારવામાં આવેલા કાચબાના દર્શન થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ કાચબાને નમન કરી, નંદીના કાનમાં પોતાની મનોકામના વ્યક્ત કરીને ગર્ભગૃહમાં મહાદેવજીના દર્શન કરવા જાય છે. મહાદેવજીને દૂધ, પંચામૃત, ધતૂરો, બિલીપત્ર, કાળાતલ અને સરસવ ચડાવવામાં આવે છે અને જો મહાદેવજીને ફક્ત જળ પણ અર્પણ કરીએ તો પણ મહાદેવજી જલ્દી રીઝાઈ જાય છે. અને એટલે જ તો તેમને ભોળાનાથ કહેવામાં આવે છે. રોજ સવાર સાંજ મહાદેવજીની આરતી બાદ પાર્વતીજી, ગણેશજી અને હનુમાનજીને ધૂપ અર્પણ કરવામાં આવે છે ત્યારે રમણીય કુદરતના ખોળે આવેલા મહાદેવજીના મંદિર અને તેની આજુબાજુના વાતાવરણ ભક્તિમય તરંગો સર્જાય છે. શિવજીના શરણે દરરોજ ભાવિકો પોતાની મનોકામના સાથે અને મનોકામના પૂર્ણ થઈ હોય તો ભોળાનો આભાર માનવા મંદિરે આવે છે અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થઈ સકારાત્મક ઉર્જાના સંચાર સાથે ઘરે જાય છે.