ભારતના મંદિરો પોતાની વિશિષ્ઠ વાસ્તુકલા અને ધારીક મહત્ત્વ માટે પ્રસિદ્ધ છે, પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું કિરાડુ મંદિર તેની અદભૂત વાસ્તુકલા સાથે પ્રાચીન શ્રાપના લીધે લોકોમાં રહસ્ય અને ડર જન્માવે છે. આ મંદિર બાડમેર શહેરથી 35 કિમી દૂર છે અને 5 મંદિરોનો એક સમૂહ છે.
દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું અદભૂત મંદિર
કિરાડુ મંદિરનું સ્થાપત્ય ખૂબ જ આકર્ષક અને અનન્ય છે. ઉત્તર ભારતમાં સ્થિત હોવા છતાં, આ મંદિરો દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યા હતા. આની સરખામણી ખજુરાહોના મંદિરોની શૈલી સાથે કરવામાં આવે છે. સમૂહના પાંચ મંદિરોમાં સૌથી પ્રખ્યાત સોમેશ્વર મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. જો કે આ મંદિરોની ઘણી મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે તો સમયની સાથે તેમનું સ્વરૂપ પણ બદલાયું છે.
શ્રાપને લગતી લોકવાયકા
કિરાડુ મંદિર સંબંધિત સૌથી પ્રચલિત લોકકથા એક મહાન સંત અને તેમના શિષ્યની છે. એવું કહેવાય છે કે સંતે ગામલોકોને તેમના શિષ્યની સંભાળ રાખવા વિનંતી કરી હતી. પરંતુ, ગામલોકો તેમની જવાબદારી ભૂલી ગયા, જેના કારણે શિષ્યનું મૃત્યુ થયું. અને ગુસ્સે થઈને સંતે એ ગામને શ્રાપ આપ્યો કે જે કોઈ સૂર્યાસ્ત પછી આ સ્થાન પર રહેશે તે પથ્થર બની જશે. કહેવાય છે કે આ શ્રાપને કારણે આજે પણ લોકો સૂર્યાસ્ત પછી મંદિર પરિસરમાં રહેવાથી ડરે છે. પર્યટકો અને સ્થાનિકો સાંજે મંદિરમાંથી બહાર નીકળી જાય છે.
રહસ્યમય અને નિર્જન વાતાવરણ
કિરાડુ મંદિર નિર્જન વિસ્તારમાં આવેલું છે. આસપાસની રહસ્યમય શાંતિ અને અજીબ ઉર્જા આ સ્થળને ડરામણી બનાવે છે, એવું કહેવાય છે કે જે કોઈ આ મંદિરોનું પુનર્નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે તેને અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલાક સ્થાનિક લોકોએ અહીં રાત્રે વિચિત્ર અવાજો સાંભળવાનો અથવા અસામાન્ય ઘટનાઓનો અનુભવ કરવાનો દાવો પણ કર્યો છે.