હિન્દુ ધર્મમાં શક્તિ એટલે માતા પાર્વતીનો અવતાર. જગતજનનીની 52 શક્તિપીઠ ભારત, નેપાળ, બાંગ્લાદેશ, તિબેટ, શ્રીલંકા અને પાકિસ્તાનમાં આવેલી છે. માતાની પ્રથમ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલી છે. જ્યાં મા હીંગળાજ બિરાજે છે. ભારતીય દર્શનાર્થીઓ ત્યાં દર્શન કરવા જઈ શકતા નથી. રાજ્યના છેવાડે વલસાડ જિલ્લામાં વાપી અને દમણ સરહદે આવેલા હિંગળાજ ડુંગર પર પણ માતા હીંગળાજ બિરાજમાન છે ભાવિકો અહિં દર્શન કરી પ્રથમ શક્તિપીઠના દર્શન કર્યાનો અહેસાસ કરે છે. વલસાડ જિલ્લાના વાપીના છેવાડે આવેલો આ છે હિંગળાજ ડુંગર. આ ડુંગર પર માતા હિંગળાજ બિરાજમાન છે. ડુંગર વાપી અને દમણની સરહદ પર આવેલો છે. વાપી અને દમણમાં ફેલાયેલા આ હિંગળાજ ડુંગર પર હિંગળાજ માતાનું ભવ્ય મંદિર આવેલું છે. વર્ષોથી દમણના લોકો માટે હિંગળાજ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. વાર તહેવારે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. વર્ષો પહેલા એક ગોવાળિયાને સ્વપ્નમાં, તે જ્યાં પશુ ચરાવે છે ત્યાં માતાજી બિરાજમાન હોવાનો નિર્દેશ થયો હતો. એટલે તેણે ગામના લોકોને જાણ કરી અને સૌ ભેગા થઈ તે સ્થળે ગયા ત્યારે માતાજીના દર્શન થયા હતા. ગ્રામવાસીઓએ તે સમયે નાનકડું મંદિર બનાવ્યું હતું. સમય જતાં દિન પ્રતિદિન લોકોની આસ્થામાં વધારો થયો અને લોકફાળાની મદદ થી આજે હિંગળાજ ડુંગર પર હિંગળાજ માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.
વાપી અને દમણની સરહદે હિંગળાજ ડુંગર આવેલો છે
વલસાડ જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે. પણ ડુંગર પર બિરાજમાન માતા હિંગળાજના દર્શન કરવાનો લ્હાવો ખૂબ જ અનેરો છે. હિંગળાજ ડુંગર પર જવા માટે બે રસ્તા છે. એક રસ્તો વાપીના ચલા તરફથી જવાય છે. અને બીજો રસ્તો દમણના ડાભેલ વિસ્તાર તરફથી જવાય છે. ડાભેલ વિસ્તાર તરફથી પાકી સીડીઓ બનાવવામાં આવી છે. પહેલા આ મંદિરે ભક્તો ડુંગરની પગદંડીથી માતાજીના દર્શન કરવા આવતા હતા. હાલમાં લોકફાળો એકત્ર કરી પાકી સીડીઓ બનાવવામાં આવી છે. હીંગળાજ ડુંગરનો મોટો હિસ્સો દમણ બાજૂમાં આવેલો છે. દમણના ડાભેલ વિસ્તારના લોકો હિંગળાજ માતાને કુળદેવી તરીકે પૂજે છે. એટલે દમણના ડાભેલમાં વસવાટ કરતા લોકો માટે આ મંદિર આસ્થાનું મોટું કેન્દ્ર છે. વર્ષ દરમિયાન અનેક નાના-મોટા તહેવારોમાં મોટી સંખ્યામાં પોતાની કુળદેવીના દર્શન માટે ભક્તો અહીં આવે છે. તેમજ નવપરણિત યુગલને પણ લગ્ન બાદ તુરંત માતાજીના આશીર્વાદ લેવાનો રિવાજ છે. કોઈપણ સારા કામની શરૂઆત પણ હિંગળાજ માતાજીના આશીર્વાદથી જ લોકો કરે છે. અને નવરાત્રીમાં પણ આ મંદિરે ભવ્ય કાર્યકર્મોનું આયોજન કરવામાં છે.
ગોવાળિયાને સ્વપ્નમાં માતાજી આવ્યા હતા
સતી પાર્વતીની 52 શક્તિપીઠો ભારત સહિત પાડોશી દેશોમાં આવેલી છે. પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશોમાં આજે પણ શક્તિપીઠની પૂજા થાય છે. ત્યારે માતા સતી ની સૌથી પહેલી શક્તિપીઠ એટલે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલી હિંગળાજ માતા શક્તિપીઠ. પાકિસ્તાનમાં આવેલું હિંગળાજ માતાજીનું મંદિર ખૂબ જ પૂજનીય છે. આઝાદી પહેલા ભક્તોની મોટી ભીડ આ મંદિરે થતી હતી અને ભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. હાલ ભાવિકો પાકિસ્તાનના હીગળાજ મંદિરના દર્શન કરવા જઈ શકતા નથી. એટલે દક્ષિણ ગુજરાતમાં આવેલા હિંગળાજ માતાના દર્શન કરી મુખ્ય શક્તિપીઠના દર્શન કર્યાનો અહેસાસ કરે છે. રાજ્યમાં આવેલા અંબાજી, ચોટીલા, પાવાગઢ, ગિરનાર ડુંગર પર આવેલા મંદિરોમાં ભક્તો માતાજીના દર્શન કરવા જતા હોય છે, ત્યારે વલસાડમાં આવેલા હિંગળાજ ડુંગર પર બિરાજમાન માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ જામે છે. અહીં માતાના દર્શન કરવા આવતા ભાવિકો ડુંગર પરથી અદભુત નજારાનો પણ આનંદ માણે છે. ડુંગરની ચોટી પરનું વાતાવરણ અને માતાજીનું સાનિધ્ય ભાવિકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી દે છે. અહીં આવતા ભક્તો માતાજીના દર્શન કરી કલાકો સુધી કુદરતના ખોળે સમય પસાર કરે છે. માતાજીના દર્શન કરી ભાવિકો પોતાની સમસ્યા માતાજી સમક્ષ રજૂ કરે છે. અહીં આવતા દર્શનાર્થીઓ નાળિયેર, ચુંદડી અને ફૂલો ધરાવી માતાજીને પ્રસન્ન કરી પોતાની મનોકામના પૂર્ણ થવાનો આભાર વ્યક્ત કરે છે. વાપી, દમણ, દાદા નગર હવેલી અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં દર્શન કરવા વાર તહેવારે નિયમિત આવે છે.
પરિસરમાં બ્રહ્મદેવનું પણ સુંદર મંદિર
આ મંદિરમાં હનુમાનજી તેમજ ગણેશજી પણ બિરાજમાન છે. તો મંદિરની બહાર બ્રહ્મદેવનું પણ સુંદર મંદિર બનાવવામાં આવ્યુ છે. આ વિસ્તારના ભક્તો બ્રહ્મદેવની ખાસ પૂજા કરે છે. માતાજીના દર્શન કરવા માટે આવેલા ભક્તો બ્રહ્મદેવના પણ દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. વિદેશમાં વસવાટ કરતા દમણવાસીઓ જ્યારે પણ દમણ આવે ત્યારે પોતાની કુળદેવીના દર્શન કરવા અચૂક આ મંદિરે આવે છે. મંદિરે દરરોજ સવાર સાંજ કરવામાં આવતી માતાજીની આરતીમાં ભાવિકો નિયમિત આવે છે. વાર તહેવારે મંદિરે મોટી ભીડ ઉમટી પડે છે. વર્ષની બંને નવરાત્રીમાં મંદિરની તળેટીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંદિર પરિસરમાં સત્યનારાયણની પૂજા, હવન અને વિવિધ ધાર્મિક વિધિઓ પણ કરવા માં આવે છે .