જુનાગઢમાં મેંદરડા તાલુકાના ભાલછેલ ગામે હીરણ નદીના કિનારે હીરણેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. વર્ષો પહેલા અહિંના ઘોર જંગલમાં મહાભારત સમયનું શિવલિંગ એક ઓટલા પર હતુ. એક સંત આ સ્થળ પર આવ્યા અને અહિં જ રોકાઈ તેમણે શિવલિંગની પૂજા અર્ચના ચાલુ કરી હતી. વર્ષો વીતતા તેમણે સ્થાનિક લોકોની મદદથી મંદિરનું નિર્માણ કર્યુ. જુનાગઢના મેંદરડા તાલુકામાં આવેલા ભાલછેલ ગામે હીરણ નદીના કિનારે સાસણના હરીયાળા જંગલની વચ્ચે હીરણેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. વર્ષો પહેલા આ સ્થળે શિવલિંગ ઓટલા પર હતુ. અને આજુબાજુ ઘોર જંગલ વિસ્તાર હતો. એકવાર એક સંત વિષ્ણુદાસ આ સ્થળ પર આવ્યા અને અહિં જ રોકાઈ તેમણે શિવલિંગની પૂજા અર્ચના ચાલુ કરી હતી વર્ષો વીતતા તેમણે સ્થાનિક લોકોની મદદથી મંદિરનું નિર્માણ કર્યુ. મંદિરનો ઇતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે. મહાભારતકાળમાં પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ સ્થળે રોકાયા હતા. ભીમને મહાદેવના દર્શન કરીને જ અન્નપાણી ગ્રહણ કરવાની નેમ હતી એટલે તે જ્યાં રોકાય ત્યાં શિવલિંગની સ્થાપના કરતા હતા અને જ્યારે પાંડવો આ સ્થળ પર આવ્યા ત્યારે ભીમે આ શિવલિંગની સ્થાપના કરી હતી. મહાદેવજીના દર્શને આજુબાજુના ગામમાંથી અને અહિં પ્રવાસે આવતા લોકો આવે છે મંદિર નાનું અને જંગલમાં છે પણ અહિં આવતા ભાવિકોને પ્રસાદરુપે ભોજન આપવામાં આવે છે.
મેંદરડાના ભાલછેલ ગામે હીરણેશ્વર મહાદેવ બિરાજમાન
સંત વિષ્ણુદાસ મહારાજે સ્થાનિક લોકોના સહયોગથી મંદિર બનાવ્યુ હતું તેમના સ્વર્ગલોક પછી તેમના શિષ્ય આદિથીદાસ મહાદેવની પૂજા કરતા અને તેમના પછી વર્તમાનમાં તેમના શિષ્ય દ્વારકાદાસ મંદિરમાં સેવાપૂજા કરે છે. મંદિરના પ્રાંગણમાં નાની દેરી બનાવી તેમાં સંત વિષ્ણુદાસની સુંદર પ્રતિમા રાખવામાં આવી છે. અમાસે હીરણેશ્વર મહાદેવના મંદિર મેળો ભરાય છે ત્યારે ધાર્મિક કાર્યક્રમો અને હવનનું પણ આયોજન કરવામાં આવે છે. મેળામાં આજુબાજુના ગામમાંથી ભાવિક ભક્તો આવે છે અને મહાદેવના દર્શન કરી હવન અને દરેક કાર્યક્રમોમાં જોડાઈ ધન્ય થાય છે. નદીઓ, ઝરણાં, વૃક્ષોથી ઘેરાયેલી હરીયાળી ટેકરીઓના કુદરતી સૌંદર્યથી છલકાતા સાસણગીર જંગલના શાંત વાતાવરણમાં અનેરી ઉર્જાનો અહેસાસ થાય છે. આવા જ શાંત રમણીય વાતાવરણમાં હીરણ નદીના કિનારે વર્ષોથી મહાદેવજી બિરાજે છે. સાસણ આવતા પ્રવાસીઓ હીરણેશ્વર મહાદેવના દર્શન કરી ઘડીક કુદરતના ખોળે ભોળાના સાનિધ્યમાં શાંતિનો એહેસાસ કરી સકારાત્મક ઉર્જાનો સંચાર પ્રાપ્ત કરે છે.
વર્ષો પહેલાનો ઓટલો વર્તમાનનું સુંદર મંદિર
પહેલા આ મંદિર બાવલીયા આરા તરીકે ઓળખાતુ હતુ કારણ કે અહિં ફક્ત સંતો જ આવતા હતા. આજુબાજુના ગામોના સાથ સહકાર અને ભોળાનાથના આશાર્વાદથી વર્ષો પહેલાનો એક ઓટલો સુંદર મંદિર સ્વરુપમાં ફેરવાયો છે. વર્ષોથી ભોળાના નિયમિત દર્શન કરવા આવતા સ્થાનિક લોકોની હીરણેશ્વર મહાદેવમાં સાચી આસ્થા જોડાયેલી છે અને એટલે જ તે ક્યારેય મંદિરે આવવાનું ચુકતા નથી. મંદિરમાં શિવલિંગ પર રાખવામાં આવેલા કળશમાંથી આખો દિવસ પાણી ચડે છે અને શિવલિંગ પર ચડાવેલા ફુલોથી મંદિરનું વાતાવરણ સુવાસિત રહે છે. મંદિરના ગર્ભગૃહની બહાર એક બાજુ ગણપતિજી બિરાજમાન કરવામાં આવ્યા છે અને બીજી બાજુ હનુમાનજી બિરાજમાન કરવામાં આવ્યા છે. હીરણેશ્વર મહાદેવના આશીર્વાદથી ઘણા નિસંતાન દંપતિઓને ત્યાં પારણા પણ બંધાયા છે.