જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના સીદસર ગામે ઉમિયાધામ આવેલુ છે. વેણુ નદી કિનારે આવેલા ઉમિયાધામમાં ઉમિયા માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. સાધુ સંત અને ભુખ્યાની સેવા કરતા પ્રૌઢને માતાજીનો સાક્ષાત્કાર થયો પછી સ્વયંભૂ પ્રગટ થયા મા ઉમિયા. કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા માતાજીના મંદિરે તમામ જ્ઞાતિના લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. સીદસર ગામે વિશ્વવિખ્યાત ઉમિયાધામ આવેલું છે ઉમિયાધામમાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. વેણુ નદી કિનારે આવેલા મા ઉમિયાના મંદિર પરિસરમાં પ્રવેશતા જ મંદિરની આજુબાજુમાં બનાવવામાં આવેલા સુંદર બાગ અને કલાત્મક કોતરણીકામ કરેલા સ્તંભ આકર્ષક છે. ભાવિકો માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે અને સુંદર રમણીય સ્થળ પર રોકાઈ પ્રફુલ્લિત થઈ શાંતિનો અહેસાસ કરી ધન્ય થાય છે
શિલાને હટાવતા માતાજીની સંગેમરમરની મૂર્તિ મળી હતી
પોરબંદર જિલ્લાનાં દેવડા ગામમાં સત્સંગ અને સંત સેવામાં મગ્ન પ્રૌઢ રતનબાપા કણસાગરા ખેતરમાં મજૂરી કામ કરતા અને આંગણે આવેલા અતિથિ તેમને મન ભગવાન હતા. ભુખ્યાને રોટલો અને સાધુ સંતોની સેવા કરતા. એકવાર એક સાધુ ભગતને આંગણે પધાર્યા અને રતનબાપાએ સાધુનો આદરપૂર્વક સત્કાર કરી ખરા ભાવથી સેવા કરી એટલે સંતુષ્ઠ સાધુએ ભગતને કહ્યું કે હે ભગત તમારી શ્રદ્ધા અને અખૂટ ભક્તિથી મા ઉમિયાની સેવા કરો, જીવન ધન્ય બનશે. રતનબાપાએ મા ઉમિયાની ભક્તિ ચાલુ કરી અને પછી પાછું વળીને જોયું નહિં. રાત દિવસ સાચા ભાવ અને અંતરના ઉંડાણથી મા ઉમિયાને ભજતા રહ્યા. એક રાત્રે રતનબાપા માતાજીનું સ્મરણ કરતા ખાટલા પર આરામ કરી રહ્યા હતા ત્યારે તેમને દિવ્ય અનુભૂતિ થઈ, સાક્ષાત મા ઉમિયા તેમની પાસે આવીને ઉભા રહ્યા હતા. અને ભગત માતાના ચરણોમાં ઢળી પડ્યા. માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા સીદસર ગામની હદમાં મારી મૂર્તિ દટાયેલી છે એને તુ બહાર કઢાવ. બીજા દિવસે જ ભગત સીદસર ગામે આવ્યા અને કંકુનાં સાથિયાની નિશાની પ્રમાણે શોધખોળ કરતા વેણુ નદીના દક્ષિણ કાંઠે નાનકડો કંકુનો સાથિયો દેખાયો ત્યાં ખોદકામ કરતા વિશાળ કાળી શિલા મળી અને તે શિલાને હટાવતા માતાજીની સંગેમરમરની મૂર્તિ મળી હતી.
ચૈતન્યસ્વરૂપ મા ઉમિયાની મુર્તિ અલૌકીક
ગોંડલના ધર્મપ્રેમી રાજા ભગવતસિંહને માતાજીની દિવ્ય મૂર્તિની માહિતી મળી એટલે તે મુર્તિને ગોંડલમાં સ્થાપન કરવા સીદસરથી ગોંડલ લઈ ગયા હતા. પરંતુ મા ઉમિયાની ઇચ્છા જુદી જ હતી એટલે રાજાના સ્વપ્નમાં આવી માતાજીએ જણાવ્યું કે રાજન ધરતીના પટ પર કામ કરતાં મારા બાળકો વચ્ચે મારે રહેવું છે, તેથી મને સીદસર પાછી પહોંચાડી દો એટલે ધર્મપ્રેમી રાજા માનભેર માતાજીની દિવ્યમૂર્તિને સીદસર પાછી પહોંચાડી આવ્યા અને સીદસર ગામમાં પવિત્ર નાના મંદિરમાં માતાજીની મૂર્તિની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. વર્તમાનમાં નાનું મંદિર વિશાળ સ્વરુપમાં ફેરવાયુ છે જ્યાં ભાવિકો માતાજીના દર્શન કરી મંદિરના રમણીય પરિસરમાં મતાજીના સાનિધ્યમાં આનંદની લાગણી સાથે સમય પસાર કરે છે. કડવા પાટીદાર કુળના કુળદેવી રાજરાજેશ્વરી આધ્યશક્તિ માતા ઉમિયાના સ્વયંભૂ પ્રાગટ્યનો ધન્ય દિવસ એટલે ભાદરવા સુદ પુનમ સંવત ૧૯૫૫, જ્યારે માન-સન્માન સાથે માતાજીની દિવ્ય પ્રતિમાને સીદસર ગામમાં લાવવામાં આવી હતી. મંદિરમાં બિરાજમાન મા ઉમિયાનું ભવ્ય સ્વરૂપ ચાર હાથ, કપાળમાં રૂડો ચાંદલો, ગળામાં હાર, હાથમાં કંગન, પગમાં તોડા, માથે શોભતા મુકુટ અને માથે લાલ ચૂંદડીથી ચૈતન્યસ્વરૂપ મા ઉમિયાની મુર્તિ અલૌકીક લાગે છે.
લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી
મા ઉમિયા માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાથી લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. વેણુ નદીના કિનારે આવેલા મા ઉમિયાધામમાં આવતા ભાવિક ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના પટાંગણમાં સુંદર બગીચાઓ બનાવવામાં આવ્યા છે. સુંદર બગીચા મંદિર પરિસરનું આકર્ષણ છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈ માતાજીના શરણે આવે છે અને મા ઉમિયા દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે. માતાજીના પરમ ભક્ત રતનબાપાના દિવ્ય કાર્ય અને તેમની નિષ્કામ ભક્તિની સુવાસ આજે પણ તેમનાં પવિત્ર ચરણોમાં મસ્તક નમાવવા ફરજ પાડે છે. આજે સમસ્ત કડવા પાટીદાર સમાજ રતનબાપાના ચરણોમાં ભાવવંદના કરતાં ગૌરવ અનુભવે છે. મંદિરે દર્શન કરવા આવતા દરેક સમાજના લોકો માટે દરેક પ્રકારની વ્યવસ્થા છે. મંદિરે લગ્નવિધિ પણ કરવામાં આવે છે અને લગ્નમાં આવેલા બંને પક્ષના લોકો માટે જમવાની અને દરેક દર્શનાર્થીઓ માટે નિશુલ્ક ચા નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે.